હજુ તો વસંતની હવા વહેતી નહોતી થઇ. આંબે મોર નહોતા બેઠા. ત્યાં શિયાળુ પવનના ઝપાટા
ખાતું એક જીવડું પોતાના દરમાંથી બહાર નીકળ્યું. તેના સગાંવહાલાંએ ઘણું સમજાવ્યું કે દરમાં
રહીને આરામ કર, ક્યાંક બહાર નીકળીશ તો મરી રહીશ. પણ તેણે કોઈનું ન માન્યું. એ તો આંબાના
થડ પર મહામુશ્કેલીએ ચડવા માંડ્યું. આંબાની ડાળ પર ઝૂલતા પોપટે એને જોયું. ચાંચ નીચી
નમાવીને તેણે પૂછ્યું:
‘અલ્યા જંતુડા, આ ટાઢમાં ક્યાં ચાલ્યું?’
‘કેરી ખાવા.’
પોપટ હસી પડ્યો. જીવડું તેને મૂરખનું સરદાર લાગ્યું.
તેણે તુચ્છકારથી કહ્યું: ‘અરે મૂરખ, કેરીનું તો આં આંબા પર નામનિશાન નથી. હું ઉપર બધે જોઈ
શકું છું ને!’
‘તું ભલે જોઈ શકતો હો!’ જીવડાએ ટગુમગુ ચાલતાં કહ્યું: ‘પણ હું પહોંચીશ ત્યારે ત્યાં કેરી હશે.’
આ જંતુના જવાબમાં સાધકની જીવનદૃષ્ટિ રહી છે. જંતુ પોતાની ક્ષુદ્રતા સામે નથી જોતું. પ્રતિકૂળ
સંજોગોથી તે ગભરાઈ નથી જતું. ધ્યેયનું કોઈ ચિહ્ન ન દેખાતું હોવા છતાં તેણે ધ્યેયની પ્રાપ્તિમાં
શ્રદ્ધા છે. પોતાના પગલે પગલે ફળનો સમય પાકતો જશે એમાં તેણે લેશમાત્ર શંકા નથી.
પોતાના સગાંવહાલાં કે પોપટ પંડિત ગમે તે કહે તેની એને પરવા નથી. એના અંતરમાં તો છે
એક જ રઢ અને એક જ રટણ:
હરિસે લાગી રહો મેરે ભાઈ,
તેરી બનત બનત બન જાઈ.
–‘સહજને કિનારે’ – મકરંદ દવે